Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

या ते रुद्र शिवा तनूरघोराऽपापकाशिनी ।
तया नस्तनुवा शन्तमया गिरिशन्ताभिचाकशीहि ॥५॥

ya te rudra siva tanuraghora'papakasini ।
taya nastanuva santamaya girisantabhichakasihi ॥ 5॥

રુદ્રદેવ, કલ્યાણમયી ને શાંત તમારી મૂર્તિ છે,
પુણ્ય પ્રકાશે તેમાં, દર્શનથી સુખને દેનારી છે;
હે પર્વતના વાસી, સુખ દેનારા પ્રભુ, તે શાંતિભરી,
જુઓ મૂર્તિથી અમને, જોતાંવેંત જઈએ ધન્ય બની. ॥૫॥

અર્થઃ

રુદ્ર - હે રુદ્રદેવ
તે - તમારી
યા - જે
અઘોરા - સૌમ્ય
અપાપકાશિની - પુણ્યને લીધે પ્રકાશનારી
શિવા - કલ્યાણમયી
તનૂઃ - મુર્તિ છે.
ગિરિશન્ત - હે પર્વત પર વિરાજીને સુખને ફેલાવનારા શિવ
તયા - તે
શન્તમયા તનુવા - પરમશાંત મૂર્તિથી
નઃ અભિશાકશીહિ - અમને અવલોકો.

ભાવાર્થઃ

હે પ્રભુ ! તમારું સ્વરૂપ પરમ મંગલમય છે. તમારી આકૃતિ પુણ્યના પવિત્ર પ્રકાશથી પુલકિત, કલ્યાણકારક, શાંત છે. એને અવલોકતાં અથવા સ્મરતાંવેત અંતરમાં અને અણુઅણુમાં આનંદ પ્રકટે છે. તમે પર્વત જેટલે ઉપર અને સર્વત્ર વિરાજીને સર્વત્ર સુખ, શાંતિ અને આનંદ ફેલાવો છો. તમારી પરમશાંત, અલૌકિક, આહ્લાદક આકૃતિ અને આંખ સાથે અમને અવલોકો એ જ અમારી આકાંક્ષા છે. એ અમૃતમય અનુગ્રહયુક્ત અવલોકનથી અમારું શરીરધારણ સફળ બનશે ને જીવનનું સર્વકાંઇ ધન્ય થશે.