त्वं स्त्री पुमानसि त्वं कुमार उत वा कुमारी ।
त्वं जीर्णो दण्डेन वञ्चसि त्वं जातो भवसि विश्वतोमुखः ॥३॥
tvam stri pumanasi
tvam kumara uta va kumari ।
tvam jirno dandena vanchasi
tvam jato bhavasi visvatomukhah ॥ 3॥
તું સ્ત્રી પુરુષ, ને તું છે કુમારી કે કુમાર સૌ,
હાથમાં લાકડી સાથે વૃદ્ધ છે ચાલનાર તું.
વિરાટરૂપ તું થાયે, મુખ તારાં જ સૌ જગે,
તું જ છે વિશ્વને રૂપે પ્રકટ્યો પરમાત્મ હે ! ॥૩॥
અર્થઃ
ત્વમ્ સ્ત્રી - તું સ્ત્રી
ત્વમ્ પુમાન્ - તું પુરુષ છે.
ત્વમ્ કુમારઃ - તું કુમાર
ઉત વા - અથવા
કુમારી - કુમારી
અસિ - છે.
ત્વમ્ જીર્ણઃ - તું વૃદ્ધ થઇને
દંડેન - લાકડીની મદદથી
અંચસિ - ચાલે છે.
ઉ - તથા
ત્વમ્ - તું જ
જાતઃ - વિરાટરૂપે પ્રકટીને
વિશ્વતોમુખઃ - સર્વ તરફ વદનવાળો
ભવસિ - થાય છે.
ભાવાર્થઃ
પરમાત્માના વિરાટ રૂપને વર્ણવતાં અહીં કાવ્યાત્મક શૈલીમાં, કળાત્મક તથા રસમય રીતે કહેવામાં આવે છે કે પુરુષ અને સ્ત્રીના અવનવીન સ્વરૂપોને હે પ્રભુ, તમે જ ધારો છો. તમે જ પૌરુષયુક્ત પુરુષ બનો છો અને સૌન્દર્યવતી સ્ત્રી. તમે જ કુમાર અને કુમારી બનીને વિહરો છો, અને વૃદ્ધના જીર્ણ સ્વરૂપમાં લાકડીની મદદથી લથડતી ચાલે આગળ વધો છો. વિરાટ બનીને તમે જ સર્વ વદનવાળા બનો છો. સંસારમાં જેટલા પણ મુખ અને સ્વરૂપ છે એ બધાં તમારાં જ છે. સંસાર તમારું જ વિરાટ વ્યક્ત સ્વરૂપ છે.