द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥६॥
dva suparna sayuja sakhaya
samanam vrksam parisasvajate ।
tayoranyah pippalam svadvattyana-
snannanyo abhichakasiti ॥ 6॥
મિત્રભાવનાં બે પક્ષીઓ એક વૃક્ષ પર વાસ કરે,
એક સ્વાદ લે છે ફલનો ને બીજું જોયા માત્ર કરે;
જીવાત્મા ને પરમાત્મા આ શરીરમાં તેવા રે’છે,
જીવ કર્મનો ભોગ કરે છે, પરમાત્મા જોઈ રે’છે. ॥૬॥
અર્થઃ
સયુજા - સદા સાથે રહેનારા
સખાયા - પરસ્પર સખાભાવ રાખનારા
દ્વાં - બે
સુપર્ણા - (જીવાત્મા તથા પરમાત્મારૂપી) પક્ષી
સમાનમ્ - એક જ
વૃક્ષમ્ પરિષસ્વજાતે - (શરીરરૂપી) વૃક્ષનો આશ્રય લઇને રહે છે.
તયોઃ - એ બંનેમાંથી
અન્યઃ - એક (જીવાત્મા)
પિપ્પલમ્ - એ વૃક્ષનાં ફળોને
સ્વાદુ - સ્વાદ સહિત
અત્તિ - ખાય છે.
અન્યઃ - અન્ય (પરમાત્મા)
અનશ્નન્ - એમનો ઉપભોગ કર્યા સિવાય
અભિચાકશીતિ - કેવળ જોયા કરે છે.
ભાવાર્થઃ
આ શ્લોક ઉપનિષદના સુંદર સારવાહી શ્લોક ભંડારમાંનો એક છે. એ અમર શ્લોક દ્વારા બે પક્ષીઓની ઉપમા આપીને તત્વજ્ઞાનના ગહન વિષયને અત્યંત સરળ રીતે સમજાવવામાં આવ્યો છે. એમ કહો કે જીવાત્મા તથા પરમાત્મા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઋષિ એક વિશાળ વૃક્ષની કલ્પના કરીને કહે છે કે એ વૃક્ષની ડાળી પર બે પક્ષી બેઠેલા છે. એ પક્ષી સનાતન સમયના સાથી અને શાશ્વત સ્નેહના સૂત્રે બંધાયેલા છે. એ વિચિત્ર વૃક્ષ પર વિરાજેલું એક પક્ષી એનાં ફળોનો ઉપભોગ કરે છે, એટલે વિવિધ પ્રકારનાં ફળોના રસાસ્વાદને લીધે સુખદુઃખ અથવા હર્ષશોકની સંમિશ્રિત અસરોને અનુભવે છે. પરંતુ બીજું પક્ષી ફળોના આસ્વાદથી અલિપ્ત રહે છે. ફળોનો ઉપભોગ જ નથી કરતું.
આ શ્લોકમાં વણર્વેલું વૃક્ષ શરીર છે. સ્થૂળ શરીર. એમાં જીવાત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. બંને સનાતન સખા અથવા સાથી છે. એકમેકની સાથે શાશ્વત સ્નેહસૂત્રે બંધાયેલા છે. એમાં જીવાત્મા જુદા જુદા કર્મફળોનો ઉપભોગ કરે છે, શુભાશુભ કર્મફળોની સારીનરસી, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકિયાને અનુભવે છે, અને પરમાત્મા કશું જ નથી કરતા. એ સર્વ પ્રકારનાં કર્મો અને કર્મફળોની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. એમની અંદર અહંતા અથવા મમતા નથી હોતી. એ જીવાત્માની જેમ કર્મફળમાં આસક્તિ કરીને બદ્ધ નથી બનતા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. જીવાત્મા તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિષયોપભોગ કરી, વિષયોમાં પડીને ભૂલી જાય છે. માટે તો અશાંત અને દુઃખી થાય છે.

