एको वशी निष्क्रियाणां बहूनामेकं बीजं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीरास्तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥१२॥
eko vasi niskriyanam bahuna-
mekam bijam bahudha yah karoti ।
tamatmastham ye'nupasyanti dhira-
stesam sukham sasvatam netaresam ॥ 12॥
એક છતાંયે અનેક અક્રિય જીવોનો તે શાસક છે,
એક બીજ પ્રકૃતિનું, તેથી બહુવિધ જગ તે સર્જે છે;
તે હૃદયે રે’તા પ્રભુને જે ધીર હમેશાં દેખે છે,
તેને પરમાનંદ મળે છે, સુખ ના બીજા પેખે છે. ॥૧૨॥
અર્થઃ
યઃ - જે
એકઃ - એક જ
બહૂનામ્ - અનેક
નિષ્ક્રિયાણામ્ - નિષ્ક્રિય જડ જીવોના
વશી - શાસક છે.
એકમ્ - એક
બીજમ્ - પ્રકૃતિરૂપી બીજને
બહુધા - અનેક પ્રકારે પરિણત
કરોતિ - કરી દે છે.
તમ્ - તે
આત્મસ્થમ્ - હૃદયમાં રહેલા પરમાત્માને
યે - જે
ધીરાઃ - ધીર પુરુષો
અનુપશ્યતિ - અવલોકે છે.
તેષામ્ - તેમને
શાશ્વતમ્ - સનાતન
સુખમ્ - સુખ
ઇતરેષામ્ - બીજાને
ન - નહીં.
ભાવાર્થઃ
સંસારમાં સનાતન સુખ કોને સાંપડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર પોતાના હૃદયમાં કરનારા સાધનાપરાયણ મંગલ મહાપુરુષોને જ. બીજાને કદાપિ નથી સાપડી શકતું. એ પરમાત્મા સ્વયં સુખસ્વરૂપ હોઇને એમની પાસે પહોંચનાર સ્વાભાવિક રીતે જ સુખશાંતિથી સંપન્ન બને છે. એ પરમાત્મા પોતે એક જ હોવા છતાં અનેક જીવોના અથવા જડચેતનાત્મક સકળ સૃષ્ટિના શાસક છે. પ્રકૃતિરૂપી એક જ નાનાસરખા સીક્ષ્મ બીજને તે વિશ્વના વિવિધ નામરૂપ, રંગ તથા રસથી ભરેલા વિશાળ વૃક્ષમાં પરિણત કરે છે. એવી અનંત એમની શક્તિ છે.