एको हंसः भुवनस्यास्य मध्ये स एवाग्निः सलिले संनिविष्टः ।
तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥१५॥
eko hamsah bhuvanasyasya madhye
sa evagnih salile sannivistah ।
tameva viditva atimrtyumeti
nanyah pantha vidyate'yanaya ॥ 15॥
આ બ્રહ્માંડમહીં તેજોમય તે પરમાત્મા વ્યાપક છે,
જલમાં અગ્નિ થઈને તે જ રહે છે, સૌમાં વ્યાપક છે;
પરમ સત્ય એ પ્રભુને જાણે, મૃત્યુથકી તે પર થાયે,
પરમધામ મેળવવા માટે અન્ય માર્ગ કોઈ ના છે. ॥૧૫॥
અર્થઃ
એકઃ - એક જ
હંસઃ - પ્રકાશસ્વરૂપ પરમાત્મા
અસ્ય - આ
ભુવનસ્ય - બ્રહ્માંડની
મધ્યે - મધ્યમાં છે.
સઃ એવ - તે જ
સલિલે - પાણીમાં
સંનિવિષ્ટઃ - સ્થિત
અગ્નિઃ - અગ્નિ છે.
તમ્ - એમને
વિદિત્વા - જાણીને
એવ - જ
મૃત્યુમ્ અત્યેતિ - મૃત્યુમય સંસારની પાર પહોંચે છે.
અયનાય - પરમપદની પ્રાપ્તિ માટે
અન્યઃ - બીજો
પન્થાઃ - માર્ગ
ન વિદ્યતે - નથી.
ભાવાર્થઃ
પરમાત્મા સર્વવ્યાપક છે. સંસારની અંદર, બહાર, ઉપર-નીચે, સર્વત્ર વિરાજમાન છે. એ પાણીમાં અગ્નિ બનીને રહેલા છે. ઉપનિષદની એ ઉક્તિ કોઇને અતિશયોક્તિ ભરેલી લાગવાનો સંભવ છે. પરંતુ શાંતિપૂર્વક વિચારવાથી સમજાશે કે એમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી. વિજ્ઞાને પાણીમાં અગ્નિ અથવા વિદ્યુત શક્તિ હોવાનું સિદ્ધ કર્યું છે. વૈજ્ઞાનિકો પાણીમાંથી એ અગ્નિતત્વને બહાર કાઢીને જુદાજુદા કાર્યો કરી બતાવે છે. કાર્યમાં કારણ રહેતું હોય છે એ રીતે વિચારતાં, અગ્નિતત્વ જલતત્વનું કારણ હોવાથી એમાં હોય છે જ. પરમાત્મા પણ જગતના એકમાત્ર કારણ હોવાથી, સહેલાઇથી દૃષ્ટિગોચર નથી થતા તોપણ, જગતમાં રહેલા છે. એમને જાણનાર અમુતમય બની જાય છે. મૃત્યુનાં નાના મોટાં બધાં જ બંધનોમાંથી મુક્તિ મેળવે છે. જીવનના આત્યંતિક કલ્યાણનો અથવા પરમપદની પ્રાપ્તિનો એના સિવાય બીજો કોઇ જ માર્ગ નથી શોધાયો.