स तन्मयो ह्यमृत ईशसंस्थो ज्ञः सर्वगो भुवनस्यास्य गोप्ता ।
य ईशेऽस्य जगतो नित्यमेव नान्यो हेतुर्विद्यत ईशनाय ॥१७॥
sa tanmayo hyamrta isasamstho
jnah sarvago bhuvanasyasya gopta ।
ya ise'sya jagato nityameva
nanyo heturvidyata isanaya ॥ 17॥
અમૃતરૂપી પરમાત્મા તે સ્વ-સ્વરૂપમાં તન્મય છે,
લોકપાલના અંતર્યામી આત્મારૂપે તે સ્થિત છે;
સર્વજ્ઞ અને બધે પૂર્ણ તે બ્રહ્માંડતણા રક્ષક છે,
સદા કરે છે શાસન જગનું, બીજા કો’ ના શાસક છે. ॥૧૭॥
અર્થઃ
સઃ હિ - તે જ
તન્મયઃ - તન્મય
અમૃતઃ - અમૃતસ્વરૂપ
ઇશસંસ્થઃ - ઇશ્વરો કે લોકપાલોમાં પણ આત્મારૂપે રહેલા
જ્ઞઃ - સર્વજ્ઞ
સર્વગઃ - સર્વવ્યાપક
અસ્ય - આ
ભુવનસ્ય - બ્રહ્માંડના
ગોપ્તા - રક્ષક છે.
યઃ - જે
અસ્ય - આ
જગતઃ - જગતના
નિત્યમ્ - સદા
એવ - જ
ઇશે - શાસન કરનારા છે.
ઇશનાય - જગત પર શાસન કરવા માટે
અન્યઃ - બીજો
હેતુઃ - હેતુ
ન વિદ્યતે - નથી.
ભાવાર્થઃ
તે પરમાત્મા સ્વ-સ્વરૂપમાં સ્થિત, અમૃતમય, અચળ છે. એમના સિવાયનું બીજું બધું જ પરિવર્તનશીલ છે. જુદા જુદા લોકપાલોમાં ને દેવોમાં આત્મારૂપે એ જ વિરાજમાન છે. એ સર્વજ્ઞ, સર્વવ્યાપક, બ્રહ્માંડના સ્વામી તથા સંરક્ષક છે. એમના સિવાય સંસાર પર શાસન કરનાર બીજું કોઇ જ નથી. એમનું શાસન શાશ્વત કાળથી, સર્જનના આરંભથી અને એની પણ પહેલાંથી ચાલ્યા કરે છે.