Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારા સ્નેહનું સુધામય સંગીત સંભળાવતાં સૃષ્ટિમાં કોણ જાણે કેટલા કાળથી ફરી રહ્યો છું ! હાથમાં વીણા, અંતરમાં તમારે માટેની મધુમય માળા, ને તનમાં નેહનો નશો. અનંતકાળથી અવનીમાં ફરી રહ્યો છું.

પર્વતો તમારી પૂજા કરે છે, સાગર ને સરિતા તમારું ધ્યાન. પુષ્પો ને પંખી તમારા ગુણાનુવાદ ગાય છે. તારામંડળ તમારી અક્ષય આરતિ ઉતારે છે. ઉષા ને સંધ્યા તમારી અનુરાગભરી આરાધનામાં મગન છે. સારી સૃષ્ટિ તમારા સ્નેહનું સનાતન સંગીત ગાયા કરે છે.

સંગીતના મહોત્સવમાં મેં પણ વરસોથી ભાગ લીધો છે. મારા સ્વરને છૂટા મૂક્યા છે. એજ આશાથી પ્રેરાઈને કે માનવમનની રહીસહી મલિનતા કે કાળની થોડીઘણી કાલિમા દૂર થાય, જગતની જડતા જલી જાય : અશાંતિમાં શાંતિ, શોકમાં આનંદ, મૃત્યુમાં જીવનનું વર્ષણ થાય. તમારી સાથે મારી એ સારુ સાધારણ પણ સેવા થાય.

એજ છે મારા જનમ, કવન, ભ્રમણ, સર્વસ્વનો એકમાત્ર હેતુ.

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)