જીવનમાં દુઃખ ને દર્દ આવે ત્યારે તેને દૂર કરવા માટે પ્રાર્થના ના કરું, પણ એટલું જ કહું કે તેને સહન કરવાની શક્તિ આપો, એવી વાણી કલ્પના કે કવિતામાં ભલે સારી લાગે, પ્રેમના પાવન પ્રદેશમાં બરાબર નથી લાગતી.
‘સહન કરવાની શક્તિ આપો’ એવી પ્રાર્થનામાં પણ અહંકાર છે. જ્યાં સુધી અહંકારનો અંશ પણ હોય ત્યાં સુધી પૂર્ણતાનો પ્રવાસ પૂરો નથી થતો. ત્યાં સુધી તમે દુઃખ, દર્દ, વિપત્તિના વરસાદ વરસાવ્યા કરો છો; એથી મૃદુલ બનેલી અંતરની ધરતી પૂર્ણપણે પોકારી ઊઠે છે કે પ્રભુ, મારામાં કોઈ પ્રકારની શક્તિ નથી. હું સર્વપણે તમારી જ છું, તેથી તમે મારું સર્વપ્રકારે રક્ષણ કરો !
માટે જ મારી અશક્તિનો તમારી આગળ અવારનવાર એકરાર કરું છું. કહું છું કે મારી અંદર સહન કરવાની કે બીજી કોઈપણ શક્તિ નથી. હું તો તમારો સાધારણ બળ વિનાનો બાળક છું, ને મારી સર્વપણે સંભાળ રાખવાની તમારી ફરજ છે, મારા પ્રભુ !
(૩૦-૫-૧૯૬૦, સોમવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

