પાવકની પેઠે પ્રજ્વલિત પથ પર, વડલાની વિશાળ શીળી છાયામાં, પરબ બેઠી છે. મ્લાન મુખવાળા, મૂંઝાતા મુસાફરો ત્યાં આવે છે, ઘડી બે ઘડી શાંતિનો શ્વાસ લે છે, સુધાસમા સ્વાદુ સલિલથી પોતાની પ્યાસ શમાવીને વિદાય થાય છે.
કોઈકોઈ માર્ગભૂલેલા મુસાફરો પણ ત્યાં આશા સાથે એકઠા થાય છે, પરબવાળીને સાચો પથ પૂછે છે, ને ઉત્સાહપૂર્વક આગળ વધે છે.
પંખી પણ એક બાજુ અલગ રાખેલા પાણીમાં ચાંચ નાખીને, પાંખ મારીને, કિલ્લોલ કરે છે.
ચાર રસ્તા પર પરબ બેઠી છે એ એમ અનેકને માટે અનેક રીતે આશીર્વાદરૂપ થાય છે.
ત્યાં બેઠેલા કો’ક કવિએ કહ્યું, ‘જીવનને પરબ જેવું જ કરી શકાય તો? કેટલો આનંદ આવે, એ કેટકેટલાને માટે આશીર્વાદરૂપ બને ?’
મને તેની વાત સંપૂર્ણ સાચી લાગી.
ખરેખર, પાવકની પેઠે પ્રજ્વલિત પથ પરની પરબ જેવું જ છે જીવન.
(૩૧-૫-૧૯૬૦, મંગળવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

