ઉષા ને સંધ્યા અભૂતપૂર્વ એવા ઉત્સાહે ઉભરાતું ઉર લઈને રોજરોજ હાજર થાય છે; આકાશના અંબર પર તમારી આરાધનાની રંગોળી પૂરી જાય છે.
સૂર્ય, ચંદ્ર તારાગણ તમારી સેવાપૂજામાંથી પાછું વાળીને જોતા નથી. તમારે ખાતર તપતાં તેમને ત્રાસ નથી, થાક નથી, કંટાળોયે નથી આવતો.
વરસાદ ને વસંત, વૃક્ષ, વેલ, ફળ ને ફૂલ અને આ ધીરજપૂર્વક ધારણા ધારીને યુગોથી બેઠેલી ધરિત્રી, તમારી પ્રસન્નતા માટે પોતાનું સર્વકાંઈ સમર્પિત કરે છે.
નદ, નદી, ને નિર્ઝર, તમારી આરાધનામાં અંતરને ઓતપ્રોત કરી, સંવાદી સ્વરે વહ્યા કરે છે; પર્વતો લીલાછમ બનીને ન જાણે કેટલા બધા કાળથી તમારું ધ્યાન ધરે છે !
પશુપંખી ને પ્રાણી, જડ ને ચેતન જગતની બધી જ પ્રવૃત્તિ જાણ્યે અજાણ્યે એક તમારે જ માટે ને તમારી જ દિશામાં થયા કરે છે.
મારું જીવન પણ એમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકે ? એ પણ તમારી આરાધનામાં ઓતપ્રોત બને છે; અંતરના અનુરાગનો અક્ષરદેહમાં આવિર્ભાવ કરી, તમારે ચરણે ધર્યા કરે છે.
અવનીની અનાદિ આરાધનામાં એ પણ એનો ફાળો ધરે છે.
(૨-૬-૧૯૬૦, ગુરૂવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)

