Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દસ પ્રકારના નાદના નશામાં મસ્ત બનવા માટે કોઈ કોઈ યોગી એકાંતમાં બેસે છે ને ષણ્મુખી મુદ્રાનો અભ્યાસ કરે છે; તો કોઈ અનવરત રીતે અંદરથી આવિર્ભાવ પામનારા અનહદ નાદનું શ્રવણ કરે છે.

તને પણ એ નાદના શ્રવણની લાલસા છે એમાં કાંઈ ખોટું નથી. પણ યોગી, જીવનના મંગલ માટે બીજી જાતના નાદનો પણ નશો લગાડ.

પ્યારા પ્રભુના સ્મરણમનનમાં રાતદિવસ ડૂબી જા. તારી આંખ આગળ ને તારા અંતરમાં એના જ સુમધુર સ્વરૂપને કાયમ રાખ. એના વિના બીજું કાંઈ જો નહિ, અનુભવ નહિ, સાંભળ નહિ, સ્મર નહિ. અંતરના અંતરતમમાંથી એમ કહે કે હે પ્રભુ, તારી જ ઈચ્છાનો મારા જીવનમાં અમલ થશે : તારો જ સંકલ્પ, તારી શક્તિ સર્વોપરિ થશે, મારી નહિ.

એવું જીવન પેલા મહોદધિને મળતી સરિતાસમું સુંદર, સરળ, સ્વચ્છ, સ્વાદુ બનશે; મંગલ થશે. તારું તન, મન, સર્વકાંઈ સંગીતનાં પેલાં વિવિધ વાજિંત્રોની જેમ સંવાદ સાધીને તાલબદ્ધ રીતે વાગી ઊઠશે. એમાંથી જે અનહદ નાદ નીકળશે તે તારા જીવનને કૃતાર્થ કરશે; મહામૂલી મસ્તી ને શાંતિ ધરશે.

(૪-૬-૧૯૬૦, શનિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)