Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તારલિયા જેમ અનંત અને અનંત છે ઊછળતા ઊર્મિમય ઉદધિનાં જલતરંગ : વસંતના રંગ અનેક, અને અપાર છે માનવમનના મનોરથ પ્રવાહો: આપણો અનુરાગ પણ એમ અનંત છે. વરસાદની અનંત એવી ધારાની જેમ, સરસતાની સહસ્ત્રો સિતારીને છેડતાં, આકાશ ને પાતાળને પ્રાણવાન કરતાં, ફર્યા કરે છે.

એનો ભંડાર ખાલી થાય તેમ નથી. એનો ખજાનો નથી ખૂટે તેમ. તમારી અનંતતા અમર અને અખંડ છે, તેમ તેની પણ અમર, અખંડ જ રહેવાની; કેમકે તે તમારો છે.

એ ભલે અનંત રહે અથવા અમર બને, પરંતુ તમને ને તમારી પૃથ્વીને પ્રસન્ન કરે, તમારું ને તમારા જગતનું જીવન બને, એટલી જ વિજ્ઞપ્તિ છે. મૂક કે જડ જીવનને એ ભલે સંગીતમય કરે, સૌરભથી ભરે, સંજીવન ધરે.

(૭-૬-૧૯૬૦, મંગળવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)