Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોટિ ટમકતા તારલિયામાંથી એકાએક એક તારલિયો ખરી પડ્યો. એમ કહો કે પોતાના સર્વસ્વની કુરબાની કરતો ધરતી પર ઢળી પડ્યો. વસંતની રસીલી રાતે પોતાના મિત્રોને મૂકીને એક તારલિયો, કોણ જાણે ક્યાં પણ, ખરી પડ્યો.

આ અજબ જેવા જગતમાંથી કોને નથી ખરવાનું ? તારાની પેઠે ઘડી બે ઘડી ટમકીને, ઈચ્છા હોય કે ના હોય તોપણ, આખરે કોને નથી ખરવાનું ?

મારે પણ એક દિવસ વિદાય લેવાનો વખત આવી પહોંચશે. એક ઓરડાને ખાલી કરીને બીજામાં, ભલે કામચલાઉ વખત માટે પણ, જવું પડશે. હરકત નહિ. તેની મને ચિંતા નથી. ઈચ્છા ફક્ત એટલી જ છે કે ત્યાં સુધી જીવનને બને તેટલું ઉત્તમ, સર્વાંગસંપૂર્ણ રીતે જીવી જઉં; તારી ઈચ્છા, આકાંક્ષા, કલ્પના પ્રમાણે જીવી લઉં; ને સંસારના શ્રીમુખે સાંભળી લઉં કે વરસો થયાં, યુગોના યુગ ગયા, પણ આવું જીવન કોઈ બીજું થયું નથી, જોયું નથી, આવું અનેરું જીવન કોઈનું થયું નથી !

ટમકીને ખરવાનું, તારે ખોળે ઢળવાનું, ભલે હોય; એ પહેલાં આટલું કરી લઉં:

તારા સમસ્ત સર્જનનું સુંદર, સરસ, સુગંધીદાર, સુમન બની લઉં !

(૧૧-૬-૧૯૬૦, શનિવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)