Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મધરાતના શાંત સમયે પૂર્વાકાશમાં ચંદ્રનો ઉદય થયો, ને વૃક્ષો હાલી ઊઠ્યાં. વનસ્પતિ, વલ્લરી, પુષ્પોમાં નવો પ્રાણ ફરી વળ્યો.

નદી પણ એકાએક થયેલા અમીવર્ષણથી આનંદમાં આવી ગઈ.

ઔષધિ અમૃતમય બની.

પાસેના ઉપવનમાં રસ રેલતી રાતરાણી વધારે રસીલી બની રહી; કમલિનીનું કોમળ કાળજુ કેટલાય કોડથી કંપી ઊઠ્યું. એ પૂરબહારમાં ખીલી રહી.

પવન પ્રમાદ મૂકીને પ્રસરવા માંડ્યો.

પ્રેમીઓ સૌન્દર્યનું સુખ માણવા પોતપોતાના આવાસમાંથી બહાર નીકળ્યાં. કવિ કવિતા કરવા માંડ્યા, લેખક લેખન, યોગી આત્માનુસંધાનને માટે એ અવસરને ઉત્તમ માનીને ધ્યાનપરાયણ બની ગયા. અરે, શ્વાન પણ આનંદ પામતા હોય તેમ, આકાશ સામે જોઈને આલાપવા લાગ્યા.

બધું આનંદ ને આનંદથી આપ્લાવિત બની ગયું; બધે સુખ ને શાંતિનું સામ્રાજ્ય છવાઈ ગયું; ત્યારે મને પણ થયું, ને મેં પણ મારા અંતરમાંથી કહ્યું, કે જ્યાં જઉં કે રહું ત્યાં આ રીતે ને એથી પણ વધારે શાંતિદાયક, સુખકારક, આશીર્વાદરૂપ થઉં; બીજા ભલે ના જાણે કે ના માને તોપણ, હું તો એમને માટે આશીર્વાદરૂપ જ થઉં !

(૧૩-૬-૧૯૬૦, સોમવાર)

-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)