Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઝૂંપડીમાં તમે જન્મ્યાં મહાલયમહીં રહ્યાં
મઢૂલીમાં વળી કો'દિ વસ્યાં રાજમહેલમાં
મઢૂલીશાં રહ્યાં તોયે મોકળા મનનાં સદા.
ભણ્યાં વિદ્યાલયે અલ્પ, વિદ્યાલયમહીં છતાં

ભણેલાંને તમે અર્પ્યું માર્ગદર્શન નિર્મળ.
અનુભૂતિતણું દૈવી તમારામાં હતું બળ.
વિપત્તિમાં થયાં મોટાં સંપદાવિપદામહીં
શ્વાસ લીધા સદા માટે વિરોધાભાસથી ભર્યા,

દૈવી સંપત્તિની તોયે રહી લેશ નહીં મણા.
સુખ ને દુઃખની વચ્ચે ભાવ તેમ અભાવમાં,
વિજને વસ્તીમધ્યે વિદેશે દેશમાં રહ્યાં
પ્રજ્ઞાના પથથી કિન્તુ સ્વપ્ને પણ ચલિત ના થયાં.

હસ્યાં તેમ રડ્યાં કોદી છાયાતાપ નિહાળતાં,
કટુતા ક્લેશથી મુક્ત જીવ્યાં નિર્લિપ્ત જીવન;
સ્થિતપ્રજ્ઞતણાં જોયાં અમે ઉત્તમ લક્ષણ;
વંદતાં સર્વને, સર્વે કરે છે આજ વંદન.

- શ્રી યોગેશ્વરજી