ચાર માસ પહેલા તો તમે જીવન જીવતાં
હતાં સ્વસ્થ પ્રસન્ના ને પલાળી નિજ પ્રીતમાં
રહેલાં સર્વને માતા બની સ્નેહાળ સર્વનાં
ત્રણ માસ પહેલાં ને સમાધિસ્થ થઈ ગયાં.
કાળચક્ર ત્વરાથી જે ચાલે છેક પુરાતન
વરસોની કરી દે તે કથા સત્ય સનાતન.
કથાકાર નવા આવે રહી જાય છતાં કથા,
પલટાય ભલે પાત્રો પલટાય નહીં વ્યથા.
વીતે દિવસ ને વીતે મહિના વરસો વળી
છતાંયે ચંદ્રિકાકેરી ચારુતા ના ઘટે જરી
તમારી સ્મૃતિયે એવી રીતે નિત્ય નવી રહી
વધશે કાળની સાથે કરમાશે કદી નહીં.
અજરામર એમાંથી પામીને પ્રાણ પ્રેરણા
લોહને પલટી દેશે વિના કિલ્મિષ હેમમાં.
- શ્રી યોગેશ્વરજી