Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સૌને જવાનું નિશ્ચિત પણ એકના ગમનથી
ગમગીન થાય અંતર વેદન અખૂટ વેઠે
લોચન દ્રવે હૃદયને સ્મૃતિ એહની વલોવે
પીડા અસહ્ય પામે આતમ  અશાંત પેઠે;

ને અન્યના જવાથી સંવેદના ન જાગે
જાણે કશું ગયું ના ખોવાયું એમ લાગે.
કોઇકના ગમનથી રાહત મળે હૃદયને
આનંદ થાય સહેજે શોકિતસમા સદનને.

સૌને જવાનું નિશ્ચિત પણ એકના જવાથી
જીવન ગયેલ લાગે ને અન્યના ગમનથી
જીવન ફરીથી જાગે વાગે સુખદ સિતારી.

સૌનું જવાનું નિશ્ચિત પણ એકના જવાથી
મંદિર બને, સ્મશાને બીજાનું ના સુહાયે;
સૌનું પ્રયાણ ચોક્કસ પણ એ પ્રયાણ કેવી
રીતે કરાય છે એ ઇતિહાસ પળ અનેરી

નોંધાય એક માટે પ્રેરક બની રહેતી,
નોંધાય અન્યની ના શાશ્વત કથા કહેતી.

 - શ્રી યોગેશ્વરજી