કેટકેટલાં જીવો જગમાં આવ્યાં તેમજ ચાલ્યાં
આ ઉદ્યાનતણાં રંગો ને રસને નિશદિન માણી
પ્રવાસકેરું મુખ્ય પ્રયોજન જાણીને ના જાણી
કેટકેટલા નાનામોટા આવ્યા ગયા પ્રવાસી,
કેટકેટલા ગયા હસીને ધરતાં તેમ ઉદાસી.
કોઇ ફૂલે મુગ્ધ બન્યાં તો કોઇ ડૂબ્યાં ગંધે,
કોઇ ફળમાં કે શાખામાં કોઇ રસાળ રંગે;
આકર્ષાયા કે લેપાયા કોઇ સરવર જોઇ,
કોઇયે સૌંદર્ય નિહાળી સ્થિરતા સઘળી ખોઇ.
કેટકેટલા જીવો જગમાં આવ્યા તેમજ ચાલ્યા;
કોઇ પરમભાગ્યશાળી જન અલિપ્ત બનતાં મહાલ્યાં
તમને અંતે મળી એમણે પ્રવાસને અજવાળ્યો,
મળ્યો એમનો અન્ય જનોને સુખદાયક સથવારો.
કેટકેટલા જીવો જગમાં આવ્યા તેમજ ચાલ્યા;
આવાગમનતણી ચાલે છે એ જ પુરાતન માળા.
સમજી એવું સાવધ બનતાં કરવું સાધન એવું
પ્રવાસ થાય સફળ ને પ્રયાણ લાગે કરવા જેવું.
- શ્રી યોગેશ્વરજી

