કૃષ્ણનાં રામનાં બુદ્ધ ઇશુનાં અંબિકાતણાં
ગણેશ શિવ બ્રહ્માનાં મહાવીરતણાં ઘણાં
રચાયાં મંદિરો તેમ રચાયે હજુયે જતાં,
પવિત્ર પ્રસ્તરે સ્વર્ણશિખરે સમલંકૃત,
દર્શકો પામતાં સૌના દર્શને કૃતકૃત્યતા.
તમારી સ્મૃતિમાં એવું ભવ્ય મંદિર બાંધવા
મનોરથ કરે ભક્તો ભાવિકો કે પ્રશંસકો
અસંખ્ય મંદિરો ત્યારે મુજને યાદ આવતાં.
અન્યને કાજ જે જીવ્યા અર્પ્યું જીવન જેમણે
પ્રેરણા અન્યને અર્પી અભિનંદન એમને.
એમનાં મંદિરો ભક્તો રચે આશ્ચર્ય તો નહીં
જેમણે મંદિરો કેરાં કર્યાં નિર્માણ ચેતન,
જીર્ણોદ્ધાર કર્યા કીધાં પૂજાતાં પ્રેરણાસ્થળ,
મંદિરો થાય ના તોયે એ જ મંગલ મંદિર.
- શ્રી યોગેશ્વરજી

