Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તપસ્યા તપસી કરીને તીવ્રતમ
અમે એવું સાંભળેલું શાસ્ત્રમાં,
દિવસ મહિના વરસ કે કલ્પો પછી
સંનિધિ પામી શકેલા સ્વર્ગની.
અને રત ભોગોપભોગોમાં સદા
વિવેકથકી ભ્રષ્ટ નિત્યાનિત્યના
કે વિવેકી પંડિતો પણ એ થકી
વિરલ કોઇ એક પામ્યા મુક્તિને.

અમે ત્યારે એ નહીં સમજી શક્યા
કિન્તુ અનુભવથી જણાયું કે રહે
સ્વર્ગમોક્ષ સદાય માનવની મહીં,
એ જ સ્વર્ગ સ્વરૂપ મુક્તિ બની શકે.
તમોને પેખી પ્રતિતી થઇ ગઇ
સ્થૂળ સ્વર્ગ વસે તમારામાં અહીં,
સંનિધિમાં તમારા મુક્તિ રમે,
માનવી જો માત્ર બાળકશો બને.
સ્વર્ગ આવ્યું ને ગયું કવિએ કહ્યું
મહાકાવ્ય પ્રસિદ્ધ એમાંથી થયું;
કિન્તુ કોઇ સ્નેહમય શિશુએ કહ્યું,
કાવ્ય એનું મારા હૃદયને ગમ્યું;
તમારી સમુપસ્થિતિ શુચિ સ્વર્ગ ને
તમારી અનુપસ્થિતિ અસ્વર્ગ મા !
હવે મારે પૂછવાનું પ્રાજ્ઞને
કે પછી કવિને રહ્યું કોઇયે ક્યાં ?

 - શ્રી યોગેશ્વરજી