Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અચલેશ્વર : અમૃતસરથી પઠાણકોટની લાઈનમાં બટાલા નામનું સ્ટેશન છે. ત્યાંથી ચારેક માઈલ દૂર અચલેશ્વર નામે સ્થાન છે. ત્યાંના મંદિરમાં શિવલિંગ છે તથા કાર્તિકસ્વામીની મૂર્તિ છે. બાજુમાં પાર્વતીની મૂર્તિ પણ જોવા મળે છે. મંદિરની બાજુમાં સુંદર, વિશાળ સરોવર છે. એની વચ્ચેના એક બીજા શિવાલય સુધી જવા તેમાં પૂલ બાંધેલો છે. સ્વામી કાર્તિકનું આવું મંદિર ઉત્તર ભારતમાં આના સિવાય બીજું નથી મળતું. એ સ્થાનમાં વસુઓ તથા સિદ્ધગણોએ યજ્ઞ કરેલો. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવે પણ ત્યાં થોડોક કાળ રહીને સાધના કરેલી.

તરણ-તારણ : તરણ-તારણ અમૃતસરથી બારેક માઈલ દૂર, બિયાસ અને સતલજ નદીઓના સંગમસ્થળની બાજુમાં આવેલું તીર્થ છે. અમૃતસરથી ત્યાં સુધીનો રસ્તો પાકો છે. શીખ ધર્મના અનુયાયીઓ તે સ્થાનને ઘણું પવિત્ર માને છે.

ત્યાં એક વિશાળ સરોવરની વચ્ચે ગુરુદ્વારા છે. શીખ ધર્મના ગુરુ અર્જુનદેવે એની પ્રતિષ્ઠા કરેલી. વૈશાખી અમાવાસ્યાનો મેળો ભરાય છે, ત્યારે લોકો ત્યાં મોટી સંખ્યામાં એકઠા થાય છે.

ચંબા : ચંબા જવા માટે પઠાણકોટથી મોટર દ્વારા ડલહૌજી થઈને એ જ મોટરમાં આગળ વધવું પડે છે. ડલહૌજીથી વીસેક માઈલ દૂર રાવી નદીના કિનારે એ શહેર વસેલું છે. શહેરમાં જે મુખ્ય મંદિર છે તે લક્ષ્મીનારાયણનું પ્રાચીન મંદિર ખૂબ જ સુંદર છે. એમાં નારાયણ ભગવાનની આરસપહાણની સુંદર સફેદ મૂર્તિ છે. એ મંદિરની સાથે બીજાં છ કલાત્મક મંદિરો જોવા મળે છે. એમાં શ્રી ચક્રગુપ્તેશ્વર, રાધાકૃષ્ણ, ગૌરીશંકર, ત્ર્યંબકેશ્વર તથા લક્ષ્મીદામોદરની મૂર્તિઓ છે.

ભરમૌર : ચંબાથી 3८ માઈલ દૂરના આ સ્થાનમાં કેટલાંય પ્રાચીન મંદિરો છે. ત્યાં નવ નાથ તથા ચોરાસી સિદ્ધો આવેલા એમ કહેવાય છે.

છત્રાઢી: ભરમૌરથી ચંબાની દિશામાં ચૌદેક માઈલ દૂર આ સ્થાન છે. ત્યાં દેવીનું સુંદર મંદિર છે. એ આખુંયે મંદિર લાકડાનું બનાવેલું છે. મંદિરોની કળાની દૃષ્ટિએ જોતાં એ જુદું જ તરી આવે છે.