Text Size

Yog Sutra

Sadhan Pada : Verse 01 - 05

॥ अथ योगसूत्रे द्वितीयः साधनपादः ॥

०१. तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ।
1. tapah svadhyaya ishvara-pranidhana kriya-yogah

તપ, સ્વાધ્યાય ને ઇશ્વરની શરણાગતિ અથવા ભક્તિ એ ત્રણ ક્રિયાયોગ કહેવાય છે.
શરીર, મન, ઇન્દ્રિયોનો સંયમ, હૃદયશુદ્ધિ ને પોતાના ધ્યેયને માટે આવી પડતા કષ્ટને સ્મિતપૂર્વક સહન કરવું તે તપ છે.
સાધના કે સદગ્રંથોનો અભ્યાસ સ્વાધ્યાય છે.
સાધનામાં ઉપરની ત્રણે વસ્તુ ખૂબ મહત્વની હોવાથી ક્રિયાયોગના નામથી તેનો અલગ ઉલ્લેખ કર્યો છે.

*

०२. समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ।
2. samadhi bhavana arthah klesha tanu karanarthah cha

એ ક્રિયાયોગ સમાધિની સિદ્ધિ કરનારો તેમ જ અવિદ્યાદિ ક્લેશોનો નાશ કરનારો છે.

*

०३. अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः क्लेशाः ।
3. avidya asmita raga dvesha abhinivesha pancha klesha

ક્લેશ પાંચ જાતના છે -

૧) અવિદ્યા ૨) અસ્મિતા ૩) રાગ ૪) દ્વેષ ને ૫) અભિનિવેશ.

આ પાંચ મહાન કષ્ટકારક ને જન્મમરણના ચક્રમાં ફેરવનારા છે. તેથી ક્લેશ કહેવાય છે.

*

०४. अविद्या क्षेत्रम् उत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ।
4. avidya kshetram uttaresham prasupta tanu vicchinna udaranam

આગલા સૂત્રમાં કહેલા અવિદ્યા પછીના બીજા ચારે ક્લેશોનું કારણ અવિદ્યા છે. તે ક્લેશ પ્રસુપ્ત, તનુ, વિચ્છિન ને ઉદાર એ ચાર સ્વરૂપે રહે છે.

૧) ક્લેશ ચિત્તમાં હોય પણ પોતાનું કામ દેખીતી રીતે ના કરે ત્યારે તેને પ્રસુપ્ત કહેવામાં આવે છે. સુષુપ્તિમાં ચારે ક્લેશ પ્રસુપ્ત દશામાં હોય છે.

૨) ક્લેશોની ક્લેશકારક શક્તિનો સાધના દ્વારા નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવે, ત્યારે તેમની શક્તિ મંદ પડી જાય છે. સાધકો પર એ ક્લેશ કોઇ ગંભીર કે નોંધપાત્ર અસર કરી શકતા નથી. ત્યારે તેમને તનુ કહેવામા આવે છે.

૩) એક ક્લેશ વિશાળ થાય કે માણસ પર પોતાનો પ્રભાવ વધારે પ્રમાણમાં પાડે, ત્યારે તેની અસરથી બીજો ક્લેશ દબાઇ જાય છે. તે વખતે તે વિચ્છિન્ન દશામાં છે એમ કહેવાય છે. રાગની વિશાળ દશામાં દ્વેષ દબાઇ જાય છે, ને દ્વેષની વિશાળ દશામાં રાગ દબાઇ જાય છે.

૪) જે વખતે જે ક્લેશ જોરમાં હોય અથવા પોતાનું કામ પૂરેપૂરી શક્તિથી કરતો હોય, તે વખતે ક્લેશ ઉદાર કહેવાય છે.

આ ચાર ભેદ અવિદ્યાના નહિ પણ બીજા ચાર ક્લેશોના છે.

*

०५. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ।
5. antiya ashuchi duhkha anatmasu nitya shuchi sukha atman khyatih avidya

અનિત્ય, અપવિત્ર, દુઃખ ને અનાત્મામાં નિત્ય, પવિત્ર, સુખ ને આત્મભાવની પ્રતીતિ કે અવિદ્યા કહેવાય છે.

મનુષ્યશરીર તથા આ જગત અનિત્ય છે એ વાતને જાણવા કે સમજવા છતાં પણ જેના પ્રભાવથી મનુષ્ય એને નિત્ય સમજે છે ને રાગદ્વેષનો શિકાર બને છે, તે અનિત્યમાં નિત્યની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

તે પ્રમાણે હાડ, માંસ ને મળમૂત્ર જેવા અપવિત્ર પદાર્થોથી ભરેલા શરીરને અપવિત્ર સમજીને પણ જેને લીધે માણસ તેમાં પવિત્રતાનું અભિમાન રાખે છે ને તેમની મમતા કે આસક્તિમાં પડે છે, તે અપવિત્ર પદાર્થમાં પવિત્રની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

તે પ્રમાણે ભોગમાત્ર દુઃખમય છે, ને સંસાર પણ ક્લેશકારક છે તેમ સમજવા છતાં પણ તેમને સુખમય માનીને માણસ તેમને ભોગવે છે, તે દુઃખમાં સુખની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

વળી જડ શરીર ને આત્મા અલગ અલગ છે, એ વાત દીવા જેવી ઉઘાડી છે. છતાં પણ માણસ શરીરને જ સર્વ કાંઇ માની લે છે, ને આત્માને ઓળખતો નથી, તે અનાત્મભાવમાં આત્મભાવની અનુભૂતિરૂપી અવિદ્યા છે.

Cookies make it easier for us to provide you with our services. With the usage of our services you permit us to use cookies.
Ok