Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને પ્રેમ જ તારો પાઇ દે, બીજું બધું ભુલાવી દે !

જે ધનવૈભવને ઇચ્છે તેને ધનવૈભવ તું આપી દે,
હું તો સદા રહ્યો કંગાલ તારો પ્રેમ મુજને પાઇ દે.

જે સ્વર્ગમુક્તિના ભિક્ષુક તે પર સ્વર્ગમુક્તિ વરસાવી દે
હું તો પ્રેમપંખી, પ્રેમભવનમાં પ્રેમમાં નવરાવી દે.

જે શાંતિ ચાહતા, શક્તિ માગતા, તે પર તે વરસાવી દે,
પ્રેમીને ક્યાંથી શાંતિ, પ્રેમની પૂર્ણ શક્તિને ઢાળી દે.

જે નામ માગતા, ઉપહાર ચહે, ભાગ્ય તેમને ભારી દે,
હું તો તારો ઉપકાર ચહું, પ્રેમી ગુપ્ત મને તું બનાવી દે.

નયનોમાં મસ્તી તારી અંગે રૂપસુધા છલકાવી દે,
તું જ દ્રશ્યરૂપ બન, હૃદયે કેવલ તારો જાપ જગાવી દે.

દે શરીરભાન ભુલાવી, અલ્પ અહંકારે ય ઉડાવી દે,
મુજને તો કેવલ તારો, તારો નશેબાજ તું બનાવી દે.

સુરદુર્લભ જોજે ભાગ્ય મળ્યું આ તેને કદી ગુમાવી દે,
કૈં વરસે તને મળ્યો હું પી,પી પિયૂષ પ્યાસ બુઝાવી લે.

- શ્રી યોગેશ્વરજી