આવી જા, આ પ્યાલી લે,
તું પણ પી લે, મસ્તીથી ભરી પ્રેમમદિરા આ પી લે !
શાંતિ ભરી આનંદછળી છે, પ્યાલી પર પ્યાલી પી લે,
વાચા વિરમે ભાન ભુલાયે, ત્યાં લગ પીધા કર-પી લે; ....આવી જા.
દુનિયાથી કંટાળી હારી, થયો નિરાશ તું ભાઈ રે,
ચારે પાસે ધૂપ તાપમાં, છાય હશે ના કાંઈ રે,
આવ ચઢાવી નશો તું યે લે, આશા નિરાશા મિટાવી દે,
ધૂપતાપ ને છાંય સર્વની પાર પહોંચી ભાઈ લે ....આવી જા.
જો આ સુંદર સાકીબાલા, વસંતથી ય રૂપાળી તે,
મદિરા એના અંગઅંગમાં, ઝરતી મંજુલ મુગ્ધ સ્વરે,
બોલાવે છે આંખ-ઈશારે, અંગ અંગ આમંત્રે છે,
લઈ લે હવે પ્રેમપિયાલી, મજા શું એની આવે છે ! ....આવી જા.
લૂંટાયે તે લૂંટ, ભરીને, પ્યાલી પર પ્યાલી પી લે,
નશો કરી લે નશાબાજની, દુનિયા આ સારી દીસે,
અમૂલ્ય અવસર આવો, સુંદરતા પોતે પ્રેમે પીરસે,
ચાખી લે રસ, કોનું અંતર, મુગ્ધા જોઈ ના તલસે ! ....આવી જા.
પુસ્તક તારાં ફેંક બાજુએ, તર્કવિતર્ક શમાવી દે,
મનના ભ્રમને દૂર કરી દે, વિચાર સર્વ મિટાવી દે !
વિચારની દુનિયામાં ભટકી,રસ તેં અનુપમ ખોયો છે,
આંખ કરીને બંધ પીવાનો, રસ તેં આ ના જોયો છે ! ....આવી જા.
મજા ઓર છે આની,આને યોગ્ય ધ્યાન કૈં ના પ્હોંચે,
જ્ઞાન અને વિજ્ઞાનમાં રમે, રસ આવો તોયે ખોળે,
શુક સનકાદિ થયા છે પાગલ, કોઈ પાર નબીં પામે,
આવી જા ઓ પ્રેમી ! ન્હાઈ લે આની ધારે ધારે ! ....આવી જા.
ભૂલાશે જગ, જગ ભૂલવાની, હામ હોય તો તે આવે,
પાગલ બનવા પ્રેમ હોય તે, પાગલખાનામાં આવે,
અરે મજા આને પીવાની, જીવનનો આ સાર ખરે,
જે ચુકશે તે ખોશે અવસર, પીશે તે કૃતકૃત્ય થશે ! ...આવી જા.
- શ્રી યોગેશ્વરજી