તમને જોતાં વેંત જ મારી વાણી જાયે થંભી,
કરું ઉપાય છતાં ના વાત શકું આરંભી;
આંસુ પ્રવાહો આંખે ચાલે, પ્રાણ ધડકતો મારો,
અનંત સુખ સાંપડતા મારો મટી જાય શ્રમ સારો.
મંગલ મુખનું દર્શન કરતાં હૈયું હરખી જાય,
ભાવવિભોર બનીને ઊછળે,સહજ સમાધિ થાય;
યોગસાધના તપ ને વ્રતનું ફળ મુજને મળતું,
તીરથનો મહિમા ફેલાયે, તન પુલકિત બનતું.
'પાગલ' પ્રાણ પ્રસન્ન બનીને પૂજા કરે તમારી,
રોમરોમમાં અનુરાગ તણી ખીલી ઉઠે ક્યારી;
એ ઉત્સવની તોલે કોઇ ઉત્સવ ખરે ન આવે,
કો બડભાગી જન એ પાવે, કો બડભાગી ગાવે.
- શ્રી યોગેશ્વરજી