પૃથ્વી ટકે છે પ્રેમથી.
પ્રેમથી ?
હા. પ્રેમથી. ઊર્મિ થઈ આશ્ચર્યની ?
એ અંતરાત્મ રહી કથી;
આશ્ચર્ય બાકી એ મહીં લેશે નથી.
ના વેરથી પણ પ્રેમથી,
આજથી જ નહીં, યુગોથી—
એહના આરંભની શુભ વેળથી
અને એથીયે પહેલાંથી નકી
ઘડીને કાયા રહી નિશદિન ટકી;
અન્યથા દીસે ન જીવનની વકી.
પ્રેમપારાવારથી છૂટી પડી,
પ્રેમ વિણ ક્યાંથી હસે, જીવી શકે ?
કો અગમ્ય અસીમ શા આકર્ષણે
એટલે તો લીન કરતા આત્મને
પ્રભાકરની પ્રેમપરિકમ્મા કરે
ને શશાંક સદાય એના પ્રતિ ફરે.
સિંધુ-સરિતા-સુમન સૌના પ્રાણમાં
બિંદુ પાવન એ જ પ્રેમતણાં ભળ્યાં;
એહના અદ્ ભુત પરમસામર્થ્યથી
અંતરો જનનીતણાં પયથી ભર્યાં
કરાવીને પાન શિશુને પાળતાં
નવલ ચેતન પ્રેરણાને ઢાળતાં
ત્યારથી પ્રતિપળે
પ્રેમ પાવન રસ વડે
જિંદગી સૌની ભરે,
શાંતિ કે સુખને ધરે.
અંતકાળે શ્રાંતને આલિંગતાં
સમાવી અંતરમહીં નવજિંદગી—
ના સુધામય સરોદે આત્મા ભરે.
આપણી અવનીમહીં થોડીઘણી
અમીકેરી પાવની આવે પળો,
સ્વલ્પ શાંતિ તથા જણાયે સ્વસ્થતા
રાસ કૈંક રમાય રસનો નિર્મળો
શ્રેય એનું પ્રેમને જ ઘટે બધું,
સાક્ષરોને કહું શું એથી વધુ ?
- શ્રી યોગેશ્વરજી