ભૂત, ભવિષ્ય, વર્તમાન - ત્રણે કાળની માહિતી મળે;
ઈપ્સિત વસ્તુ આપમેળે આવી મળે;
સંકલ્પમાત્રથી દર્દ દુર થાય;
પક્ષીની ભાષા સમજી શકાય;
પૃથ્વીથી ઉપર ઊઠીને આકાશમાં વિહરી શકાય;
એકના અનેક થવાય અથવા અદ્રશ્ય બનાય;
પવન પાણીનું પ્રાશન કરીને દીર્ઘાયુ થવાય ...
એ બધી સિદ્ધિઓને બદલે
જે છે તે જ જાણીને જીવી શકાય;
ઈપ્સિત પદાર્થની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં
મનની સ્વસ્થતાને સાચવી શકાય;
સંકલ્પમાત્રથી રોગ દૂર થાય કે ના થાય પરંતુ નિરોગી રહેવાય;
પક્ષીની ભાષા ભલે ના સમજાય પરંતુ માનવીની—
પોતાના મનની સમજી શકાય;
અવકાશમાં ઉપર ના ઊઠાય તો પણ
આ પાર્થિવ પૃથ્વી પર પ્રામાણિકપણે પગ મૂકાય,
પગલાં ભરાય,
બહુવિધ બની શકાય;
આહારનો આધાર ઉચિત માત્રામાં લેવાય,
જેટલું પણ જીવન હોય એટલું જીવી શકાય;
એટલી જ સિદ્ધિઓ સાંપડે
તો પણ પૂરતું છે.
- શ્રી યોગેશ્વરજી