અપરાધીઓથી ભરેલી જેલમાં
અપરાધીઓ તરફથી એમનું,
સ્નેહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું ત્યારે—
એમની આંખ ભીની થઈ.
કેટલાય સજાપાત્ર અપરાધીઓએ જણાવ્યું
અમને ખોટી રીતે સજા કરવામાં આવી છે.
અમારામાંથી સાચા અપરાધી તો ઓછા છે.
એમની કથાને સાંભળીને આગંતુકે જણાવ્યું,
અવનીમાં જેટલા પણ અપરાધો થાય છે
એ બધા જ અપરાધ કરનારાને પકડવામાં આવે
તો બહારની દુનિયા આખીયે જેલ બની જાય;
આ નાનકડી જેલ નિર્દોષોનું નિવાસસ્થાન થાય.
જેલ ખૂબ જ નાની પડે.
અપરાધીઓને એકાએક આશ્વાસન મળ્યું.
- શ્રી યોગેશ્વરજી