Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કમળના કમનીય દલ પર પડેલા
તુષાર બિંદુને નિહાળીને
કવિએ કહેવા માંડ્યું,
ચંચળ તુષારબિંદુ,
જરી જેટલા જીવનમાં શો આનંદ આવે છે ?
વ્યોમના પેલા સુદૂરવર્તી તારકની પેઠે
અમૃતમય બનીને આનંદ કર.
તારી દ્રષ્ટિ તથા રસવૃત્તિ
ખૂબ જ સીમિત કે સંકીર્ણ લાગે છે.

તુષારબિંદુ બોલી ઊઠ્યું,
કલ્પનાના રસમય રંગોમાં રમમાણ કવિ !
મારી વાસ્તવિકતાનો વિચાર તો કરી જો.
પૃથ્વી મને પુષ્કળ પ્રિય છે.
એ મારી માતા છે.
મારું જીવન મેં એને સમર્પિત કર્યું છે.
એની સાથે એકરૂપ થવામાં મારો આનંદ છે.
જીવન સ્વલ્પ તો પણ સારસભર છે.
ક્ષણવારમાં પણ સાધનાનું સાફલ્ય સાધીને
સૃષ્ટિમાં સમાઈ જઈશ એનો મને સંતોષ છે.

- શ્રી યોગેશ્વરજી