Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગમે ત્યારે જવા માટે ભવનથી તૈયાર

ફાળવેલું મને જે, તે કાર્ય પૂર્ણ થયું
એમ લાગે તમોને કે સ્થાન રિક્ત રહ્યું,
ભલેને મુજને અહીંના પદાર્થો પર પ્યાર,
ગમે ત્યારે જવા માટે ભવનથી તૈયાર.

તમોને અન્યત્ર દીસે જરૂર મહારી
અનિવાર્ય જણાય મારી પ્રીતની બારી
મધભરેલી વીર્યવંતી શાંતિદા વાણી,
આપણો તો સર્વસ્થળમાં રહેવાનો પ્યાર,
ગમે ત્યારે જવા માટે ભવનથી તૈયાર.

તમારે માટે જ જીવન સમર્પ્યું મારું,
તમોને લાગ્યું ગણ્યું તેં મેંય નિત પ્યારું;
વગાડી સ્વર્ગીય મારી સુધાસભર સિતાર,
હવે એના ક્યાંક ચાહો બજવવાને તાર,
મને પણ આસક્તિ ના, ના લાગવાની વાર;
ગમે ત્યારે જવા માટે ભવનથી તૈયાર.

તમે પણ થાક્યા ન હો ના પરિતૃપ્ત થયા,
માણવો આનંદ હો હજુએ વધારે વાર
તો ગમે તે સ્થળે તેમજ હો ગમે તે કાળ,
રહેવાને તમારે માટેય છું તૈયાર
ગમે ત્યારે જવા માટે ભવનથી તૈયાર.

 - શ્રી યોગેશ્વરજી